સુરતમાં વન્યજીવોના ગેરકાયદે વેપારનો મોટો પર્દાફાશ થયો છે. DRI અને વન વિભાગની સંયુક્ત કાર્યવાહીમાં દીપડાના ચામડાના સોદા માટે આવેલા બે શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા છે. સોશિયલ મીડિયા પર એક કરોડ રૂપિયામાં દીપડાનું ચામડું વેચવાની માહિતીના આધારે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.સુરતમાં DRIને સોશિયલ મીડિયા મારફતે દીપડાનું ચામડું અંદાજે એક કરોડ રૂપિયામાં વેચાણ માટે મૂકવામાં આવ્યું હોવાની માહિતી મળી હતી. માહિતીના આધારે DRIની ટીમે રેલવે સ્ટેશન નજીક આવેલી અલંકાર હોટલમાં ટ્રેપ ગોઠવ્યો હતો.ટ્રેપ દરમિયાન એક શખ્સને ઝડપી પાડવામાં આવ્યો હતો. ત્યારબાદ તેની પૂછપરછમાં અન્ય એક આરોપીનું નામ સામે આવતા તેને પણ ઝડપી લેવામાં આવ્યો હતો. બંને આરોપીઓ ઝાંપા બજાર વિસ્તારના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. જેમાં મોઈની હુનૈદ અને બદરી સબ્બીરનો સમાવેશ થાય છે.વન વિભાગની તપાસમાં કબજે કરાયેલા દીપડાના ચામડામાં બુલેટનું નિશાન જોવા મળ્યું છે. પ્રાથમિક તપાસ મુજબ આ ચામડું અંદાજે એકથી બે મહિના જૂનું હોવાનું માનવામાં આવી રહ્યું છે. જેના આધારે તાજેતરમાં દીપડાનો શિકાર કરવામાં આવ્યો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.વન્યજીવ વિશ્લેષણ મુજબ દીપડાનો ક્રૂરતાપૂર્વક શિકાર કરવામાં આવ્યો હોવાની શક્યતા છે. જોકે ચામડાની સાથે દીપડાના દાંત કે પંજા મળી આવ્યા નથી. જેથી શરીરના અન્ય અંગો ક્યાં ગયા અને આ સમગ્ર રેકેટમાં અન્ય કોણ સંડોવાયેલું છે તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે.આ કેસમાં બંને આરોપીઓને કોર્ટમાંથી જામીન મળી ગયા છે. બીજી તરફ વન વિભાગે સમગ્ર નેટવર્કના મૂળ સુધી પહોંચવા અલગ-અલગ દિશામાં તપાસ તેજ કરી છે.