સુરતમાં ગરબા ક્લાસ સંચાલક સગીરાને ભગાડી ગયો,5 મહિને ઝડપાયા..

 

સુરત જિલ્લાના કીમ વિસ્તારમાંથી પાંચ મહિના અગાઉ ગરબા ક્લાસમાં જતી એક સગીરાને લલચાવી-ફોસલાવી ભગાડી જવાના કેસમાં સુરત ગ્રામ્ય પોલીસને મહત્વની સફળતા મળી છે. પોલીસે મુખ્ય આરોપી તેમજ ખોટા દસ્તાવેજો બનાવવામાં મદદ કરનાર અન્ય એક આરોપીની ધરપકડ કરી છે. તપાસ દરમિયાન સગીરાનો ખોટો જન્મનો દાખલો બનાવી તેના આધારે લગ્નની નોંધણી કરાવવામાં આવી હોવાનું પણ સામે આવ્યું છે.

ગરબા ક્લાસ સંચાલક દ્વારા સગીરાને ભગાડી જવાનો કેસ ઉકેલાયો, ખોટા જન્મ દાખલાથી લગ્ન નોંધણીનો ખુલાસો..

સુરત પોલીસ તપાસ મુજબ , મુખ્ય આરોપી દેવેશ સગીરા સાથે લગ્ન કરવા માંગતો હતો. જોકે, સગીરા કાયદેસર લગ્ન માટે જરૂરી વયની ન હોવાથી તેણે પોતાના મિત્ર સંજીતકુમાર યાદવની મદદથી સગીરાનો ખોટો જન્મનો દાખલો તૈયાર કરાવ્યો હતો. આ દસ્તાવેજના આધારે લગ્નની નોંધણી પણ કરાવવામાં આવી હોવાનું તપાસમાં ખુલ્યું છે.

ઘટનાની જાણ થતાં સગીરાના પરિવારજનોએ કીમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ નોંધાયા બાદ મુખ્ય આરોપી ફરાર થઈ ગયો હતો. સુરત ગ્રામ્ય પોલીસ છેલ્લા પાંચ મહિનાથી તેની શોધખોળ કરી રહી હતી. ચોક્કસ બાતમીના આધારે પોલીસે મુખ્ય આરોપી દેવેશ અને દસ્તાવેજ બનાવવામાં મદદ કરનાર સંજીતકુમાર યાદવને ઝડપી પાડ્યા હતા.

બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા, જ્યાંથી કોર્ટ દ્વારા ત્રણ દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. રિમાન્ડ દરમિયાન પોલીસ સમગ્ર કાવતરું, ખોટા દસ્તાવેજો કેવી રીતે તૈયાર કરવામાં આવ્યા અને તેમાં અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી છે કે નહીં તે સહિતના મુદ્દાઓની તપાસ કરી રહી છે.

આ કેસને પગલે સુરત ગ્રામ્ય પોલીસે વાલીઓને ખાસ અપીલ કરી છે કે બાળકોને જીમ, ડાન્સ ક્લાસ અથવા ગરબા ક્લાસમાં મોકલતા પહેલાં સંચાલકોની વિશ્વસનીયતા, ઓળખ અને પૃષ્ઠભૂમિની ચકાસણી કરવી જરૂરી છે. સાથે જ યુવતીઓને પણ કોઈપણ શંકાસ્પદ વર્તન, દબાણ અથવા લાલચનો સામનો કરવો પડે તો તાત્કાલિક પરિવારજનો અથવા પોલીસનો સંપર્ક કરવાની અપીલ કરવામાં આવી છે.

સુરત ગ્રામ્ય પોલીસના જણાવ્યા અનુસાર સમગ્ર મામલે વધુ તપાસ ચાલુ છે અને જરૂર જણાશે તો અન્ય સંડોવાયેલા લોકો સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.