સુરતમાં કાંદાના ભાવમાં વધારો થતાં સામાન્ય અને મધ્યમ વર્ગના પરિવારોના ઘરખર્ચ પર સીધી અસર જોવા મળી રહી છે. ગરીબોની કસ્તુરી તરીકે ઓળખાતા કાંદાના ભાવ છેલ્લા કેટલાક સમયથી સતત ઊંચા જઈ રહ્યા છે. અત્યાર સુધી બજારમાં આશરે ₹25થી ₹30 પ્રતિ કિલો મળતા કાંદા હવે વધીને ₹40થી ₹45 પ્રતિ કિલો સુધી પહોંચી ગયા છે. વેપારીઓના જણાવ્યા પ્રમાણે મહારાષ્ટ્રમાં ભારે વરસાદના કારણે કાંદાના પાકને થયેલું નુકસાન અને સપ્લાયમાં આવેલો ઘટાડો ભાવવધારા પાછળનું મુખ્ય કારણ છે.
મહારાષ્ટ્રથી કાંદાની સપ્લાયમાં ઘટાડો
દક્ષિણ ગુજરાતના મોટા શાકભાજી માર્કેટ પૈકી સુરતના બજારમાં દરરોજ મોટી માત્રામાં શાકભાજીની આવક થાય છે. સુરત શહેર અને આસપાસના વિસ્તારોમાં વેચાતા કાંદાનો મોટો જથ્થો મહારાષ્ટ્રથી આવતો હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે.
જોકે મહારાષ્ટ્રના કાંદા ઉત્પાદક વિસ્તારોમાં ભારે વરસાદના કારણે પાકને નુકસાન થયું છે. તેની અસર કાંદાની આવક પર પડી રહી છે. બજારમાં માંગની સરખામણીએ સપ્લાય ઘટતાં ભાવમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે.
અગાઉ જે કાંદા ₹25થી ₹30 પ્રતિ કિલોના ભાવે મળી રહ્યા હતા, તેના માટે હવે ગ્રાહકોને ₹40થી ₹45 પ્રતિ કિલો સુધી ચૂકવવા પડી રહ્યા છે. આમ પ્રતિ કિલો કાંદાના ભાવમાં નોંધપાત્ર વધારો થતાં સામાન્ય લોકોના રસોડાના બજેટ પર વધારાનો બોજ પડ્યો છે.
હજુ બે મહિના ભાવ ઊંચા રહેવાની શક્યતા
કાંદાનો ઉપયોગ લગભગ દરેક ઘરના રસોડામાં નિયમિત રીતે થતો હોવાથી તેના ભાવમાં થતો વધારો સીધો સામાન્ય પરિવારના બજેટને અસર કરે છે. હોટલ, રેસ્ટોરન્ટ અને ખાણીપીણીના વ્યવસાય સાથે સંકળાયેલા વેપારીઓ માટે પણ કાંદાના વધતા ભાવ ખર્ચમાં વધારો કરી શકે છે.
કાંદાના વેપારી જીતુભાઈના જણાવ્યા પ્રમાણે હાલ મહારાષ્ટ્રથી આવતી સપ્લાય ઘટવાને કારણે ભાવ ઊંચા છે. આગામી બે મહિનાથી વધુ સમય સુધી કાંદાના ભાવ ઊંચા રહેવાની શક્યતા પણ તેમણે વ્યક્ત કરી છે.
હવે આગામી દિવસોમાં મહારાષ્ટ્રમાંથી કાંદાની આવકમાં કેટલો સુધારો થાય છે અને નવી આવક બજારમાં પહોંચ્યા બાદ ભાવમાં રાહત મળે છે કે નહીં તેના પર ગ્રાહકો અને વેપારીઓની નજર રહેશે.
હાલ તો સુરતમાં ₹25થી ₹30 પ્રતિ કિલોએ મળતા કાંદાના ભાવ ₹40થી ₹45 સુધી પહોંચતાં સામાન્ય પરિવારને પોતાના રોજિંદા ઘરખર્ચમાં વધુ રકમ ખર્ચવી પડી રહી છે.
