"સુરતમાં પ્રધાનમંત્રી આવાસના ફ્લેટ ભાડે આપવાનો મામલો..."

સુરત પ્રધાનમંત્રી આવાસ ફ્લેટ ભાડે આપીને મકાન માલિકો દ્વારા ભાડું વસૂલવામાં આવતું હોવાની ફરિયાદો બાદ સુરત મહાનગરપાલિકાનું સ્લમ ઇમ્પ્રુવમેન્ટ વિભાગ હરકતમાં આવ્યું છે. પાલિકા દ્વારા શહેરના વિવિધ ઝોનમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ફાળવવામાં આવેલા ફ્લેટની તપાસ શરૂ કરવામાં આવી છે. અત્યાર સુધીમાં 5 હજારથી વધુ ફ્લેટની તપાસ કરવામાં આવી છે, જેમાં 275થી વધુ ભાડુઆતો મળી આવ્યા હોવાનું જણાવવામાં આવ્યું છે.

છથી સાત હજાર રૂપિયાના ભાડે ફ્લેટ આપ્યાનું સામે આવ્યું

સુરત મહાનગરપાલિકાના સ્લમ ઇમ્પ્રુવમેન્ટ વિભાગ દ્વારા હાથ ધરાયેલી તપાસ દરમિયાન કેટલાક લાભાર્થીઓ પોતાને ફાળવવામાં આવેલા આવાસમાં રહેવાને બદલે ફ્લેટ અન્ય લોકોને ભાડે આપી ભાડું વસૂલતા હોવાનું સામે આવ્યું છે.

તપાસ દરમિયાન કેટલાક મકાન માલિકો દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજનાના ફ્લેટ માસિક ₹6 હજારથી ₹7 હજારના ભાડે આપવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. વિવિધ ઝોનમાં હાથ ધરવામાં આવેલી તપાસ દરમિયાન વરિયાવ ખાતે આવેલા સુમન સાધના પ્રધાનમંત્રી આવાસમાંથી પણ ભાડુઆતો મળી આવ્યા હોવાનું જણાવાયું છે.

સરકાર દ્વારા ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને રહેઠાણની સુવિધા મળી રહે તે હેતુથી આવાસ ફાળવવામાં આવે છે. જોકે કેટલાક લાભાર્થીઓ દ્વારા આ આવાસ ભાડે આપીને યોજનાનો ખોટી રીતે લાભ લેવામાં આવી રહ્યો હોવાનું તપાસમાં સામે આવતાં પાલિકા તંત્રએ કાર્યવાહી કરવાની તૈયારી કરી છે.

નોટિસ બાદ ફ્લેટ જપ્ત કરવાની તૈયારી

સુરત મહાનગરપાલિકા દ્વારા નિયમોનું ઉલ્લંઘન કરીને આવાસ ભાડે આપનારા ફ્લેટ ધારકો સામે તબક્કાવાર કાર્યવાહી કરવાની તૈયારી કરવામાં આવી છે. પ્રથમ તબક્કામાં સંબંધિત ફ્લેટ ધારકોને નોટિસ આપવામાં આવશે.

નોટિસ બાદ પણ નિયમોનું પાલન નહીં કરવામાં આવે અથવા તપાસમાં નિયમોનું ઉલ્લંઘન સાબિત થશે તો ફ્લેટ જપ્ત કરવા સુધીની કાર્યવાહી કરવામાં આવી શકે છે. સાથે જ જરૂર જણાય ત્યાં પોલીસ કાર્યવાહી કરવાની પણ તૈયારી હોવાનું જણાવવામાં આવ્યું છે.

શહેરના વિવિધ ઝોનમાં આવાસોની તપાસ ચાલુ રાખવામાં આવી છે. પાલિકાની આ કાર્યવાહીને કારણે પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ લઈને ફ્લેટ ભાડે આપતા લાભાર્થીઓ સામે હવે કડક કાર્યવાહી થવાના સંકેત મળ્યા છે.

આ સમગ્ર તપાસનો હેતુ સરકારની આવાસ યોજનાનો લાભ વાસ્તવિક અને જરૂરિયાતમંદ લાભાર્થીઓ સુધી જ પહોંચે તથા ફાળવવામાં આવેલા આવાસનો નિયમો મુજબ ઉપયોગ થાય તે સુનિશ્ચિત કરવાનો છે.