સુરત પ્રાઇવેટ સિક્યુરિટી એજન્સી ચેકિંગને લઈને શહેર SOG પોલીસ દ્વારા વિશેષ ડ્રાઇવ હાથ ધરવામાં આવી છે. અમદાવાદના આણંદનગર વિસ્તારમાં પ્રાઇવેટ સિક્યુરિટી એજન્સીના ગાર્ડ સાથે જોડાયેલ દુષ્કર્મનો ગંભીર બનાવ સામે આવ્યા બાદ રાજ્યના DGP દ્વારા પ્રાઇવેટ સિક્યુરિટી એજન્સીઓની કામગીરી અને નિયમોના પાલનની તપાસ કરવા માટે 15 દિવસની વિશેષ ચેકિંગ ડ્રાઇવ હાથ ધરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. આ આદેશ બાદ સુરત SOG પોલીસ દ્વારા શહેરમાં સઘન ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે.
વિશેષ ડ્રાઇવમાં નિયમભંગ બદલ 16થી વધુ કેસ
DGPના આદેશને પગલે સુરત શહેર SOG પોલીસ દ્વારા વિવિધ પ્રાઇવેટ સિક્યુરિટી એજન્સીઓનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન એજન્સીઓ દ્વારા જરૂરી નિયમો અને જોગવાઈઓનું પાલન કરવામાં આવે છે કે નહીં તે અંગે તપાસ કરવામાં આવી હતી.
પોલીસના જણાવ્યા અનુસાર વિશેષ ચેકિંગ ડ્રાઇવ દરમિયાન નિયમભંગના મામલે 16થી વધુ કેસ દાખલ કરવામાં આવ્યા છે. આ સાથે પ્રાઇવેટ સિક્યુરિટી એજન્સીઓ દ્વારા ગાર્ડની ભરતી કરતી વખતે કઈ પ્રક્રિયાનું પાલન કરવું જોઈએ અને જરૂરી ચકાસણી કેવી રીતે કરવી તે અંગે પણ સૂચનાઓ આપવામાં આવી છે.
પ્રાઇવેટ સિક્યુરિટી ગાર્ડ્સ રહેણાંક સોસાયટી, કોમર્શિયલ કોમ્પ્લેક્સ, ઓફિસ, ઉદ્યોગો અને અન્ય સ્થળોએ સુરક્ષાની જવાબદારી સંભાળતા હોય છે. ત્યારે તેમની ભરતી અને જરૂરી ચકાસણી નિયમો અનુસાર કરવામાં આવે તે મહત્વપૂર્ણ હોવાનું પોલીસ દ્વારા સમજાવવામાં આવ્યું હતું.
300થી વધુ સિક્યુરિટી એજન્સીઓ સાથે મેગા મીટિંગ
ચેકિંગની કાર્યવાહી સાથે સુરત SOG પોલીસ દ્વારા પ્રાઇવેટ સિક્યુરિટી એજન્સીઓને નિયમો અંગે માર્ગદર્શન આપવા માટે મેગા મીટિંગનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
આ બેઠકમાં 300થી વધુ પ્રાઇવેટ સિક્યુરિટી એજન્સીઓના માલિકો, સુપરવાઇઝરો અને સિક્યુરિટી ગાર્ડ્સ જોડાયા હતા. પોલીસના જણાવ્યા પ્રમાણે મીટિંગમાં કુલ 1600 જેટલા લોકો હાજર રહ્યા હતા.
મીટિંગ દરમિયાન સિક્યુરિટી એજન્સીઓએ કયા નિયમોનું પાલન કરવું, ગાર્ડ્સની ભરતી સમયે જરૂરી ચકાસણી કેવી રીતે કરવી અને સુરક્ષા સંબંધિત જવાબદારીઓનું પાલન કેવી રીતે સુનિશ્ચિત કરવું તે અંગે જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપવામાં આવી હતી.
રાજ્યના DGPના આદેશ બાદ શરૂ કરાયેલી 15 દિવસની વિશેષ ડ્રાઇવ અંતર્ગત સુરત SOG દ્વારા ચેકિંગની સાથે એજન્સીઓને નિયમો અંગે જાગૃત કરવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે.
