સુરતમાં ભારે વરસાદ અને ખાડીપૂરના કારણે શહેરના અનેક વિસ્તારોમાં જનજીવન પ્રભાવિત થયું હતું. રસ્તાઓ પર પાણી ભરાઈ જતાં મોટી સંખ્યામાં રત્ન કલાકારો બે દિવસ સુધી પોતાના કાર્યસ્થળે પહોંચી શક્યા ન હતા. પરિણામે દૈનિક આવક પર નિર્ભર હજારો રત્ન કલાકારોને આર્થિક નુકસાન સહન કરવું પડ્યું છે. આ મુદ્દે ડાયમંડ વર્કર યુનિયને જિલ્લા કલેક્ટરને રજૂઆત કરીને સરકાર સમક્ષ બે દિવસના વેતરની ચૂકવણી અને અન્ય રાહત આપવાની માંગ કરી છે.
પૂરથી અસરગ્રસ્ત રત્ન કલાકારો માટે ડાયમંડ વર્કર યુનિયનની કલેક્ટરને રજૂઆત, બે દિવસના વેતનની માંગ..
સુરતમાં ભારે વરસાદ અને પૂરના કારણે બે દિવસ કામ પર જઈ ન શકેલા રત્ન કલાકારો માટે ડાયમંડ વર્કર યુનિયને જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી છે. યુનિયને બે દિવસનું વેતન ચૂકવવા તેમજ નુકસાનગ્રસ્ત રત્ન કલાકારોને સર્વે બાદ યોગ્ય વળતર આપવાની સરકાર સમક્ષ માંગ કરી છે.
યુનિયનના જણાવ્યા મુજબ, પૂરના કારણે અનેક ડાયમંડ યુનિટોમાં કામકાજ બંધ રહ્યું હતું. પાણી ભરાવાને કારણે કર્મચારીઓ પોતાના કારખાનાઓ સુધી પહોંચી શક્યા નહોતા, જેના કારણે તેમને બે દિવસનું વેતન ગુમાવવું પડ્યું હતું. દૈનિક કમાણી પર નિર્ભર રત્ન કલાકારો માટે આ સ્થિતિ ભારે આર્થિક સંકટ સર્જનારી બની હોવાનું યુનિયનનું કહેવું છે.
ડાયમંડ વર્કર યુનિયને જિલ્લા કલેક્ટરને આપવામાં આવેલી રજૂઆતમાં સરકારને અપીલ કરી છે કે અસરગ્રસ્ત રત્ન કલાકારોને બે દિવસનું વેતન સહાયરૂપે ચૂકવવામાં આવે. ઉપરાંત, પૂરના કારણે જેમના ઘરોમાં નુકસાન થયું છે તેવા રત્ન કલાકારોનો તાત્કાલિક સર્વે હાથ ધરી યોગ્ય વળતર અને સરકારી સહાય આપવામાં આવે.
યુનિયનના ઉપપ્રમુખ ભાવેશ ટાંકે જણાવ્યું હતું કે પૂરના કારણે માત્ર રોજગાર જ નહીં પરંતુ અનેક પરિવારોના ઘરો અને ઘરવખરીને પણ નુકસાન થયું છે. આવી સ્થિતિમાં રત્ન કલાકારોને તાત્કાલિક આર્થિક સહાય મળવી જરૂરી છે. તેમણે સરકારને માનવતાના ધોરણે આ માંગ પર હકારાત્મક નિર્ણય લેવા અપીલ કરી હતી.
ડાયમંડ ઉદ્યોગ સુરતની અર્થવ્યવસ્થાનો મહત્વનો આધારસ્તંભ છે અને તેમાં મોટી સંખ્યામાં શ્રમિકો રોજગાર મેળવે છે. આવી કુદરતી આપત્તિ દરમિયાન દૈનિક આવક પર નિર્ભર શ્રમિકોને સૌથી વધુ અસર થાય છે. તેથી યુનિયને સરકાર સમક્ષ વિશેષ રાહત પેકેજ અને જરૂરી સહાય ઉપલબ્ધ કરાવવાની માંગ પણ કરી છે.
હાલ જિલ્લા કલેક્ટરને રજૂઆત સોંપવામાં આવી છે અને રત્ન કલાકારો સરકારના નિર્ણયની રાહ જોઈ રહ્યા છે.