"સુરતમાં ₹28.13 લાખની છેતરપિંડી કેસમાં આરોપી ઝડપાયો.."

સુરત ₹28.13 લાખ છેતરપિંડી કેસમાં ડુમસ પોલીસે મોટી કાર્યવાહી કરીને આરોપી રિપુ સુદાન ખિચીને પંજાબના અમૃતસરથી ઝડપી પાડ્યો છે. ફરિયાદીને ઉચ્ચ વળતરની લાલચ આપી ધંધામાં રોકાણ કરાવ્યા બાદ નુકસાન કરાવી વધુ રૂપિયા મેળવવા અને જાનથી મારી નાખવાની ધમકી આપી ખંડણી માંગવામાં આવી હોવાનો આરોપ છે. ફરિયાદ મુજબ આરોપીએ ગૂગલ પે મારફતે કુલ ₹28.13 લાખ મેળવ્યા બાદ ફરાર થઈ ગયો હતો.

અમૃતસરથી આરોપીને ઝડપી પાડતી ડુમસ પોલીસ

ડુમસ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાયા બાદ પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન આરોપી રિપુ સુદાન ખિચી પંજાબના અમૃતસર ખાતે હોવાની માહિતી મળતાં પોલીસે ત્યાં કાર્યવાહી કરી તેને ઝડપી પાડ્યો હતો.

પોલીસ તપાસમાં આરોપી દ્વારા લોકોને વિશ્વાસમાં લેવા માટે અપનાવવામાં આવતી કથિત મોડસ ઓપરેન્ડી અંગે પણ વિગતો સામે આવી છે. પોલીસના જણાવ્યા પ્રમાણે આરોપી પોતાની જાતને પ્રામાણિક અને આર્થિક રીતે સમૃદ્ધ વ્યક્તિ તરીકે રજૂ કરતો હતો.

લોકોનો વિશ્વાસ જીતવા માટે તે મંદિરોમાં નિયમિત જતો અને મંદિર તથા ગુરુદ્વારામાં આવતા લોકો સાથે સંપર્ક કેળવતો હોવાનો પોલીસ તપાસમાં ખુલાસો થયો છે. પોતે અમીર પરિવારમાંથી આવતો હોવાનું જણાવવાની સાથે મોંઘી લક્ઝરી કારમાં ફરતો અને મોંઘી હોટલ તથા કાફેમાં આવતો-જતો હોવાનો દેખાવ કરતો હોવાનું પણ તપાસમાં સામે આવ્યું છે.

વિશ્વાસ કેળવી ધંધામાં રોકાણ કરાવ્યાનો આરોપ

પોલીસના જણાવ્યા અનુસાર આરોપી લોકો સાથે ધાર્મિક લાગણીઓ અંગે વાતચીત કરીને પહેલા તેમનો વિશ્વાસ અને ભરોસો સંપાદન કરતો હતો. ત્યારબાદ ધંધામાં ઊંચું વળતર મળવાની વાત કરીને રોકાણ માટે તૈયાર કરતો હોવાનો આરોપ છે.

ફરિયાદ મુજબ રોકાણ કરાવ્યા બાદ ધંધામાં નુકસાન બતાવી વધુ રકમનું રોકાણ કરાવવામાં આવતું હતું. ત્યારબાદ છેતરપિંડી કરીને ખંડણી વસૂલવામાં આવતી હોવાનો પણ પોલીસ તપાસમાં ખુલાસો થયો છે.

આ કેસમાં ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી ખંડણી માંગવામાં આવી હોવાનો આરોપ છે. ફરિયાદ મુજબ ગૂગલ પે મારફતે કુલ ₹28.13 લાખની રકમ પડાવી લેવામાં આવી હતી.

હાલ ડુમસ પોલીસે આરોપી રિપુ સુદાન ખિચીની ધરપકડ કરીને આગળની તપાસ હાથ ધરી છે. આરોપીએ અન્ય કોઈ વ્યક્તિ સાથે પણ આ પ્રકારની છેતરપિંડી કરી છે કે કેમ તેમજ સમગ્ર મામલામાં અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી છે કે કેમ તે સહિતની દિશામાં પોલીસ તપાસ આગળ વધી રહી છે.