સુરતમાં વિવર્સ સંમેલન, ટેક્સટાઇલ ઉદ્યોગને સરકારનો વિશ્વાસ...

 

સુરતના એન્થમ સર્કલ ખાતે ટેક્સટાઇલ ઉદ્યોગ સાથે સંકળાયેલા વિવર્સ અને વેપારીઓ માટે વિવર્સ પરામર્શ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. સંમેલનમાં ટેક્સટાઇલ ઉદ્યોગના અગ્રણીઓ, વેપારીઓ, ઉદ્યોગકારો અને વિવિધ એસોસિએશનના પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. કાર્યક્રમ દરમિયાન ટેક્સટાઇલ ઉદ્યોગની વર્તમાન સ્થિતિ, સરકારની નીતિઓ અને વેપારીઓની સમસ્યાઓ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.

સુરતમાં વિવર્સ પરામર્શ સંમેલન યોજાયું, ટેક્સટાઇલ ઉદ્યોગના વિકાસ માટે સરકાર પ્રતિબદ્ધ : હર્ષ સંઘવી

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે સુરતનો ટેક્સટાઇલ ઉદ્યોગ માત્ર ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર દેશની અર્થવ્યવસ્થાનો મહત્વપૂર્ણ આધારસ્તંભ છે. રાજ્ય સરકાર હંમેશા વેપારીઓ અને ઉદ્યોગકારોની સાથે ઊભી રહી છે અને તેમની સમસ્યાઓના ઝડપી અને અસરકારક ઉકેલ માટે સતત કાર્ય કરી રહી છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે વેપારીઓને વધુ સશક્ત બનાવવા માટે સરકાર દ્વારા અનેક યોજનાઓ અમલમાં મૂકવામાં આવી રહી છે.

હર્ષ સંઘવીએ જણાવ્યું કે રાજ્ય સરકારની ટેક્સટાઇલ પોલિસીના કારણે છેલ્લા એક વર્ષમાં ટેક્સટાઇલ ઉદ્યોગને ₹8 હજાર કરોડથી વધુની ઇન્સેન્ટિવ સહાય આપવામાં આવી છે. આ સહાયથી અનેક ઉદ્યોગ એકમોને પ્રોત્સાહન મળ્યું છે, ઉત્પાદન ક્ષમતામાં વધારો થયો છે અને રોજગારીની નવી તકો પણ ઉભી થઈ છે. સરકારનો પ્રયાસ છે કે ગુજરાત દેશના ટેક્સટાઇલ ક્ષેત્રમાં અગ્રેસર રહે અને સુરત વૈશ્વિક ટેક્સટાઇલ હબ તરીકે વધુ મજબૂત બને.

તેમણે વધુમાં જણાવ્યું કે આગામી સમયમાં MSME અને ટેક્સટાઇલ ઉદ્યોગને વધુ ગતિ આપવા માટે રાજ્ય સરકાર ઝડપી ગતિએ કામગીરી કરશે. નવી ટેક્નોલોજી, આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર, સરળ નીતિઓ અને ઝડપી વહીવટી પ્રક્રિયા દ્વારા ઉદ્યોગોને વધુ સ્પર્ધાત્મક બનાવવાના પ્રયાસો કરવામાં આવશે. વેપારીઓના સૂચનો અને પ્રશ્નોને સરકાર ગંભીરતાથી સાંભળે છે અને તેમના ઉકેલ માટે જરૂરી તમામ પગલાં લેવામાં આવશે તેવી ખાતરી પણ તેમણે આપી હતી.

સંમેલન દરમિયાન વેપારીઓએ પોતાના પ્રશ્નો અને સૂચનો સરકાર સમક્ષ રજૂ કર્યા હતા. નાયબ મુખ્યમંત્રીએ તમામ રજૂઆતો પર યોગ્ય વિચારણા કરીને ટેક્સટાઇલ ઉદ્યોગના સર્વાંગી વિકાસ માટે સરકાર સંપૂર્ણપણે પ્રતિબદ્ધ હોવાનું પુનરોચ્ચાર કર્યો હતો. કાર્યક્રમમાં સરકાર અને ઉદ્યોગકારો વચ્ચે વધુ મજબૂત સંકલન દ્વારા સુરતના ટેક્સટાઇલ ક્ષેત્રને નવી ઊંચાઈએ લઈ જવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો.