સુરતના માન દરવાજા રિ-ડેવલપમેન્ટ મામલે હવે અસરગ્રસ્તોમાં ભારે રોષ
સુરતના માન દરવાજા રિ-ડેવલપમેન્ટ પ્રોજેક્ટ હેઠળ અસરગ્રસ્તોને ભાડું ચુકવવાની પ્રક્રિયામાં વિલંબ થતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે.અસરગ્રસ્તોના જણાવ્યા મુજબ જુલાઈ 2025 બાદ તમામ લોકોને નિયમિત ભાડું ચુકવવાની ખાતરી આપવામાં આવી હતી.પરંતુ હાલ માંડ 30 ટકા લોકોને જ ભાડું મળી રહ્યું હોવાનું સામે આવ્યું છે.જે લોકોને ભાડું મળે છે તેમાં પણ સતત વિલંબ થતો હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.અસરગ્રસ્તોના કહેવા મુજબ ઝોન કક્ષાએ પાત્રતા પત્રો પર સહી ન થતાં અને એગ્રીમેન્ટ-નોટરીની પ્રક્રિયા અધૂરી રહેતા ભાડાની ફાઈલો પેન્ડિંગ પડી છે.આ રિ-ડેવલપમેન્ટ પ્રોજેક્ટ હેઠળ 1300થી વધુ ફ્લેટોનો સમાવેશ થાય છે.ગોકળગતિએ ચાલતી કામગીરીને લઈને અસરગ્રસ્તોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.જેના વિરોધમાં અસરગ્રસ્તોએ લીંબાયત ઝોન કચેરી ખાતે મોરચો માંડી રજૂઆત કરી હતી.અસરગ્રસ્તોની રજૂઆત બાદ ઝોનના ડેપ્યુટી ચીફ દ્વારા પેન્ડિંગ ફાઈલો ઝડપથી આગળ ધપાવવાની ખાતરી આપવામાં આવી હતી.આ સમગ્ર મામલે કોંગ્રેસ નેતા અસલમ સાયકલવાળા એ પણ અસરગ્રસ્તોની તરફેણમાં રજૂઆત કરી હતી.