સુરતના નાસીરનગર ડિમોલિશન મામલે રચાયેલી તપાસ સમિતિની કામગીરી માત્ર દેખાવ પૂરતી હોવાના આક્ષેપો વચ્ચે તપાસ પ્રક્રિયા પર અનેક સવાલો ઊભા થયા છે.તપાસ સમિતિના અધ્યક્ષ મીના ગજ્જરે જણાવ્યું હતું કે તપાસ હજુ પ્રારંભિક તબક્કામાં છે અને સમિતિ પાસે અત્યાર સુધી જે માહિતી આવી છે તે અધૂરી છે. તેમણે સ્વીકાર્યું હતું કે તપાસને આગળ વધારવા માટે જરૂરી તમામ વિગતો હજુ સુધી ઉપલબ્ધ થઈ નથી. સૂત્રોના જણાવ્યા મુજબ તપાસ સમિતિના અધ્યક્ષને જવાબદાર અધિકારીઓ તરફથી પૂરતો સહયોગ મળી રહ્યો નથી. સેન્ટ્રલ ઝોનના વડા દ્વારા પણ અધૂરી માહિતી આપવામાં આવી રહી હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. જ્યારે કેટલાક જવાબદાર અધિકારીઓ રજા પર ઉતરી જતા તપાસ પ્રક્રિયા વધુ ધીમી પડી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. આ દરમિયાન મીડિયા દ્વારા પૂછવામાં આવેલા સવાલોના જવાબ આપવાને બદલે તપાસ સમિતિના અધ્યક્ષ મીના ગજ્જર માત્ર "થેન્ક્યુ...થેન્ક્યુ..." કહીને આગળ વધી ગયા હતા. જેના કારણે તપાસ સમિતિ પાસે કડક વલણ અપનાવવાની સત્તા છે કે નહીં તે મુદ્દે પણ ચર્ચાઓ શરૂ થઈ છે. હાલ નાસીરનગર ડિમોલિશન મામલે તપાસ સમિતિની કામગીરી અને જવાબદાર અધિકારીઓના સહયોગને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે.