સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના ડોળિયા ગામ નજીક આવેલ ઓવરબ્રિજની હાલત દિવસેને દિવસે બિસ્માર બનતી જઈ રહી છે. બ્રિજ પર મોટા ખાડા પડી જતાં વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ ખાડાઓના કારણે વાહનોને નુકસાન થવાની સાથે અવારનવાર અકસ્માતોની ઘટનાઓ પણ બની રહી છે.આ મુદ્દે આમ આદમી પાર્ટીના આગેવાન રમેશ મેરે તંત્ર સામે આક્રોશ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે હાઈવે ઓથોરિટીના અધિકારીઓ માર્ગોની યોગ્ય દેખરેખ રાખવામાં નિષ્ફળ રહ્યા છે. લોકો રોડ ટેક્સ અને ટોલ ટેક્સ ભરે છે, તેમ છતાં સુરક્ષિત અને સુવિધાજનક માર્ગો મળતા નથી. તેમણે સવાલ ઉઠાવ્યો હતો કે જો માર્ગોના રિપોર્ટિંગ યોગ્ય રીતે કરવામાં આવે છે તો પછી આવી બિસ્માર સ્થિતિ કેમ સર્જાઈ રહી છે. રમેશ મેરે તંત્રને તાત્કાલિક અસરથી ડોળિયા ઓવરબ્રિજના ખાડા પુરવા અને સમારકામ હાથ ધરવાની માંગ કરી હતી. સાથે જ તેમણે ચેતવણી આપી હતી કે જો વહેલી તકે કામગીરી શરૂ નહીં કરવામાં આવે તો વાહનચાલકોને સાથે રાખી ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે, જેની સંપૂર્ણ જવાબદારી તંત્રની રહેશે.