સુરેન્દ્રનગર શહેરમાં તાજીયા-મોહરમ પર્વની ઉજવણી સૌહાર્દપૂર્ણ અને શાંતિપૂર્ણ માહોલમાં થાય તેમજ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે હેતુથી પોલીસ દ્વારા વિશેષ ફૂટ પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવ્યું હતું.મદદનીશ પોલીસ અધિક્ષક (એ-ડિવિઝન)ના અધ્યક્ષસ્થાને તથા એએસપી વેદીકા બિહાનીના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ ફૂટ પેટ્રોલિંગમાં પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. પેટ્રોલિંગ દરમિયાન ટાવર ચોક, ઘાંચીવાડ, ટાંકી ચોક વિસ્તાર, જવાહર ચોક તેમજ જેલ ચોક સહિત તાજીયાના સંવેદનશીલ રૂટ પર સુરક્ષા વ્યવસ્થાનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત સ્થાનિક વેપારીઓ અને નાગરિકો સાથે સંવાદ કરી તહેવાર દરમિયાન શાંતિ, ભાઈચારો અને કાયદાનું પાલન જાળવવા અપીલ કરવામાં આવી હતી. પોલીસ તંત્રએ જણાવ્યું હતું કે મોહરમ પર્વ દરમિયાન સમગ્ર રૂટ પર સતત ચાંપતી નજર રાખવામાં આવશે અને કોઈપણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પૂરતી સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. સાથે જ નાગરિકોને અફવાઓથી દૂર રહી પોલીસને સહકાર આપવા પણ અપીલ કરવામાં આવી છે.