અમરેલી જિલ્લાના મોટા આંકડીયા ગામમાં તળાવ ઊંડું કરવાની કામગીરી રોકવાના મુદ્દે ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે. ગ્રામજનોએ મૌન રેલી યોજી કલેક્ટર અને એસપીને આવેદનપત્ર પાઠવી યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી છે.અમરેલી જિલ્લાના મોટા આંકડીયા ગામે સરકારી જમીન પર આવેલા આશરે 500 વીઘાના તળાવને ઊંડું કરવાની કામગીરી ચાલી રહી છે.ગ્રામજનોના જણાવ્યા મુજબ આ કામગીરીને કેટલાક અસામાજિક તત્વો દ્વારા રોકવામાં આવતા વિવાદ સર્જાયો છે.આ મુદ્દે મોટા આંકડીયા તેમજ આસપાસના ગામોના તમામ સમાજના લોકો અને આગેવાનો એકત્રિત થયા હતા.ગ્રામજનોએ શાંતિપૂર્ણ રીતે મૌન રેલી યોજી અમરેલી જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર પાઠવ્યું હતું.આવેદનપત્ર મારફતે તળાવ ઊંડું કરવાની કામગીરીમાં અવરોધ ઉભો કરનારાઓ સામે કાર્યવાહી કરવાની તેમજ વિકાસલક્ષી કામગીરી ચાલુ રાખવાની માંગ કરવામાં આવી હતી.