સુરતના પાંડેસરા વિસ્તારમાં તસ્કરોએ ફિલ્મી ઢબે એક જ્વેલર્સની દુકાનમાં ઘૂસી અંદાજે રૂ. 30 લાખથી વધુના સોના-ચાંદીના દાગીનાની ચોરી કરી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.
પાંડેસરાના ગીતા નગર વિસ્તારમાં આવેલી ‘ક્રિષ્ના જ્વેલર્સ’ નામની દુકાનમાં મોડી રાત્રે ચોરીની ઘટના બની હતી. તસ્કરોએ દુકાનની ઉપરની છતનું પતરું કાપી અંદર પ્રવેશ કર્યો હતો. ત્યારબાદ તિજોરી અને કાઉન્ટરમાં રાખેલા કિંમતી સોના-ચાંદીના દાગીના ચોરી કરી ફરાર થઈ ગયા હતા. વહેલી સવારે દુકાન ખોલવા આવતાં ચોરીની જાણ થતાં વેપારી સહિત સ્થાનિકોમાં દોડધામ મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ પાંડેસરા પોલીસ સ્ટેશનના અધિકારીઓ અને પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે ગુનો નોંધી આસપાસના સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે. દુકાનના માલિકના જણાવ્યા અનુસાર, આ જ્વેલર્સમાં આશરે છ મહિના પહેલાં પણ તસ્કરોએ ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે સમયે તેઓ સફળ થયા ન હતા. આ વખતે પૂર્વ આયોજન સાથે આવેલા તસ્કરો ચોરીને અંજામ આપવામાં સફળ રહ્યા હતા. સ્થાનિક વેપારીઓના જણાવ્યા મુજબ પાંડેસરા અને આસપાસના વિસ્તારોમાં છેલ્લા છથી સાત મહિનામાં સાતથી આઠ જેટલી મોટી ચોરીની ઘટનાઓ બની ચૂકી છે. જેના કારણે વેપારીઓમાં સુરક્ષાને લઈને ચિંતા વ્યાપી છે અને પોલીસ પેટ્રોલિંગ વધારવાની માંગ ઉઠી છે.
તસ્કરોએ જ્વેલર્સની દુકાનને બનાવ્યો પોતાનો ટાર્ગેટ