સુરતના ઉધના વિસ્તારમાં માનવતાને શરમાવે તેવી ઘટના સામે આવી છે. ભીમનગર ગરનાળા પાસે સળગતા કચરાના ઢગલામાંથી નવજાત બાળકનું ભ્રૂણ મળી આવતા ચકચાર મચી ગઈ હતી. ઉધના પોલીસે ગણતરીના કલાકોમાં જ સમગ્ર મામલાનો ભેદ ઉકેલી 19 વર્ષીય યુવતીની અટકાયત કરી છે.ઉધના વિસ્તારના ભીમનગર ગરનાળા પાસે મશોબા મંદિર સામે સળગતા કચરાના ઢગલામાંથી અંદાજે 6 થી 7 દિવસના નવજાત બાળકનું ભ્રૂણ મળી આવ્યું હતું.સ્થાનિક લોકોની નજર પડતાં જ સમગ્ર વિસ્તારમાં હડકંપ મચી ગયો હતો અને ઉધના પોલીસને જાણ કરવામાં આવી હતી.પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી CCTV ફૂટેજ અને બાતમીદારોની મદદથી ગણતરીના કલાકોમાં એક 19 વર્ષીય યુવતી સુધી પહોંચી હતી.પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે યુવતી મૂળ મહારાષ્ટ્રના શહાદા તાલુકાની રહેવાસી છે અને હાલ સુરતમાં પોતાની નાનીના ઘરે આવી હતી.પોલીસ પૂછપરછમાં યુવતીએ કબૂલ્યું હતું કે ભ્રૂણ તેનું જ હતું.માહિતી મુજબ યુવતી ગર્ભપાત કરાવવા માટે સુરત આવી હતી અને તેના પ્રેમીએ આપેલી ગર્ભપાતની દવાઓ લીધા બાદ ગર્ભપાત થયો હતો.ત્યારબાદ યુવતીની નાની ભ્રૂણને લઈને ઉધના વિસ્તારમાં પહોંચી હતી અને પુરાવા છુપાવવાના ઇરાદે સળગતા કચરાના ઢગલામાં ફેંકી દીધું હોવાની વિગતો સામે આવી છે.હાલ ઉધના પોલીસ સમગ્ર મામલે વધુ તપાસ કરી રહી છે. કચરામાં આગ પહેલેથી લાગેલી હતી કે પુરાવા નષ્ટ કરવા માટે લગાવવામાં આવી હતી તે દિશામાં પણ તપાસ ચાલી રહી છે.