સુરતના ઉધના વિસ્તારમાં આવેલી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત ગુજરાતી માધ્યમ શાળા ક્રમાંક 197 અને મરાઠી માધ્યમ શાળા ક્રમાંક 202ના વિદ્યાર્થીઓ વચ્ચે થયેલી મારામારીનો મામલો ચર્ચામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ ગુજરાતી માધ્યમની શાળા ક્રમાંક 197માં ધોરણ-7માં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીએ મરાઠી માધ્યમની શાળા ક્રમાંક 202માં ધોરણ-6માં અભ્યાસ કરતા વિદ્યાર્થી પર ચાકુ વડે હુમલો કર્યો હતો.આ ઘટનામાં ઇજાગ્રસ્ત વિદ્યાર્થીને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.ઘટનાને લઈને બંને શાળાના આચાર્યોએ મહત્વનો ખુલાસો કર્યો છે.ગુજરાતી માધ્યમ શાળાના આચાર્ય વર્ષાબેન પટેલ અને મરાઠી માધ્યમ શાળાના આચાર્ય સુરેશભાઈ સેલારે જણાવ્યું હતું કે આ ઘટના શાળા સમય દરમિયાન કે શાળા પરિસરમાં બની નથી.શાળા છૂટ્યા બાદ બહાર ક્યાંક આ બનાવ બન્યો હોવાનું અને તેની જાણ પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવી હોવાનું તેમણે જણાવ્યું હતું.શાળા તંત્રએ વધુમાં જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓ શાળામાં પ્રવેશ કરે તે સમયે તેમની બેગની નિયમિત ચકાસણી કરવામાં આવે છે.હાલ સમગ્ર મામલે પોલીસ તપાસ ચાલી રહી છે અને હુમલાના કારણો તેમજ બંને વિદ્યાર્થીઓ વચ્ચે અગાઉ કોઈ વિવાદ હતો કે નહીં તે અંગે તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
ઉધનાના વિદ્યાર્થી પર ચપ્પુ હુમલા મામલે શાળાનો ખુલાસો