અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના અદાપુર ગામના વાદી સમાજના 10 પરિવારો દ્વારા અરવલ્લી કલેક્ટરને આવેદનપત્ર આપી રહેઠાણ અને ખેતીની જમીન ફાળવવાની માંગ કરવામાં આવી છે.પરિવારોના જણાવ્યા મુજબ તેઓ છેલ્લા આશરે 100 વર્ષથી સીસોદરા ગ્રામ પંચાયત વિસ્તારની ફોરેસ્ટ જમીન સર્વે નંબર 194 ખાતે વસવાટ કરતા હતા. જોકે તાજેતરમાં તેમની વસાહત તોડી પાડવામાં આવતા 100થી વધુ લોકો બેઘર બન્યા હોવાનું તેમણે જણાવ્યું છે. અરજદારોનો આક્ષેપ છે કે કોઈ યોગ્ય નોટિસ આપ્યા વિના અને કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કર્યા વગર તેમના ઝૂંપડાઓ તોડી પાડવામાં આવ્યા હતા. જેના કારણે મહિલાઓ, બાળકો અને વૃદ્ધો સહિતના પરિવારજનો મુશ્કેલીમાં મુકાયા છે. વાદી સમાજના પરિવારો દ્વારા આવાસ યોજના હેઠળ મકાન ફાળવવા, રહેણાંક પ્લોટ આપવા તેમજ ખેતી માટે જમીન ફાળવવાની માંગ કરવામાં આવી છે. આ ઉપરાંત વન અધિકાર કાયદા હેઠળ તેમના હક્કોને માન્યતા આપવા પણ માંગ ઉઠાવવામાં આવી છે.