અમરેલી જિલ્લાના વડીયા ગામના ખેડૂત મનસુખભાઈ સોજીત્રાએ આત્મહત્યા કરી હતી. ગતરોજ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયા, પ્રદેશ સંગઠન મંત્રી નિકુંજ સાવલિયા સહિત આગેવાનોએ મૃતકના પરિવારની મુલાકાત લઈ તેમને સાંત્વના પાઠવી હતી.
 ત્યારબાદ મીડિયા સમક્ષ વાત કરતા ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ જણાવ્યું હતું કે, મનસુખભાઈએ આત્મહત્યા પહેલા બનાવેલા વીડિયોમાં ભાજપના અમુક નેતાઓના ત્રાસના કારણે આ પગલું ભરી રહ્યા હોવાનું જણાવ્યું હતું.ગોપાલ ઇટાલીયાના જણાવ્યા મુજબ મૃતકના પરિવારજનો અને સમાજના આગેવાનો ફરિયાદ નોંધાવવા વડીયા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા, પરંતુ ભાજપના નેતાનું નામ એફઆઈઆરમાં સામેલ નહીં કરવામાં આવે તેમ કહેવામાં આવ્યું હોવાનો આક્ષેપ કર્યો હતો.વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ખેડૂતોના રસ્તાના પ્રશ્નો સહિતની સમસ્યાઓને લઈ સ્થાનિક તંત્ર સજાગ બને અને ખેડૂતોને મદદરૂપ થાય તે જરૂરી છે.મૃતકના કૌટુંબિક ભાઈ જીવરાજભાઈએ પણ જમીન અને રસ્તાના પ્રશ્નોને લઈ વ્યથા વ્યક્ત કરી હોવાનું ગોપાલ ઇટાલીયાએ જણાવ્યું હતું.તેમણે મામલતદાર સહિતના અધિકારીઓ સાથે ચર્ચા કરી ટૂંક સમયમાં પ્રશ્નોનું નિરાકરણ લાવવા રજૂઆત કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું.