વડોદરામાં SMCનો દરોડો, 1,601 બોટલ સાથે ₹6.90 લાખનો મુદ્દામાલ જપ્ત..
સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)એ વડોદરા શહેરમાં ગેરકાયદેસર દારૂના જથ્થા સામે મોટી કાર્યવાહી હાથ ધરી છે. SMCના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ.જી. નુરકરની ટીમે વાઘોડિયા રોડ પર બાપોદ જકાતનાકા સામે આવેલા હીરાબાનગર વિસ્તારમાં દરોડો પાડી ભારતીય બનાવટના વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે દારૂ સહિત કુલ ₹6.90 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરી ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે ચાર સપ્લાયરોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.
વડોદરામાં SMCનો દારૂના ગોડાઉન પર દરોડો, 1,601 બોટલ સાથે ₹6.90 લાખનો મુદ્દામાલ જપ્ત
મળતી માહિતી મુજબ, સ્ટેટ મોનિટરિંગ સેલને બાતમી મળી હતી કે હીરાબાનગર વિસ્તારમાં આવેલા એક મકાનમાં મોટી માત્રામાં ગેરકાયદેસર દારૂનો જથ્થો સંગ્રહ કરવામાં આવ્યો છે. બાતમીના આધારે PSI એ.જી. નુરકરની આગેવાની હેઠળ ટીમે સ્થળ પર દરોડો પાડ્યો હતો.
તપાસ દરમિયાન યોગેશ વિષ્ણુભાઈ ચાવડાના મકાનમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની અંદાજે 50 પેટી અને કુલ 1,601 બોટલ મળી આવી હતી. પોલીસે સ્થળ પરથી દારૂ ઉપરાંત અન્ય મુદ્દામાલ મળી કુલ ₹6,90,561નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
આ કાર્યવાહી દરમિયાન પોલીસે યોગેશ વિષ્ણુભાઈ ચાવડા, વિજયસિંહ ગણપસિંહ વાઘેલા અને અજય ઉર્ફે સન્ની કાલકાપ્રસાદ કહારની ધરપકડ કરી છે. પ્રાથમિક પૂછપરછમાં દારૂના જથ્થાના સપ્લાય અંગે મહત્વની માહિતી સામે આવી હોવાનું જાણવા મળ્યું છે.
પોલીસ તપાસમાં દારૂનો જથ્થો સપ્લાય કરનાર નિલેશ ઉર્ફે નીલુ હરેશભાઈ નાથાણી, નલીયો દાવળ, મહેશ નામનો વ્યક્તિ તેમજ અન્ય એક અજાણ્યા સપ્લાયરનું નામ સામે આવ્યું છે. પોલીસે ચારેયને વોન્ટેડ જાહેર કરીને તેમની શોધખોળ શરૂ કરી છે.
સ્ટેટ મોનિટરિંગ સેલે જણાવ્યું છે કે ગેરકાયદેસર દારૂના વેપાર સામે આવનારા સમયમાં પણ આવી જ કડક કાર્યવાહી ચાલુ રહેશે. સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે જેથી આ રેકેટ સાથે સંકળાયેલા અન્ય લોકો સુધી પણ પહોંચી શકાય.