વડોદરા જંકશનથી આશરે 7 કિલોમીટર દૂર આવેલું ઐતિહાસિક પ્રતાપનગર રેલવે સ્ટેશન હવે સંપૂર્ણપણે નવા સ્વરૂપમાં મુસાફરોની સેવા માટે તૈયાર થઈ ગયું છે. અંદાજે 146 વર્ષ જૂના આ સ્ટેશનનો લગભગ ₹72 કરોડના ખર્ચે કાયાકલ્પ કરવામાં આવ્યો છે. આધુનિક સુવિધાઓથી સજ્જ આ સ્ટેશન હવે સેટેલાઇટ સ્ટેશન તરીકે વિકસિત કરવામાં આવ્યું છે, જે વડોદરા જંક્શન પર મુસાફરોની વધતી ભીડ ઘટાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.
146 વર્ષ જૂના પ્રતાપનગર રેલવે સ્ટેશનનો ₹72 કરોડના ખર્ચે કાયાકલ્પ, આધુનિક સેટેલાઇટ સ્ટેશન તરીકે તૈયાર..
રેલવે વિભાગ દ્વારા સ્ટેશનના પુનઃવિકાસ દરમિયાન ઐતિહાસિક વારસાને જાળવી રાખવાની સાથે મુસાફરોને આધુનિક અને આરામદાયક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. સ્ટેશનમાં નવો ફૂટ ઓવરબ્રિજ, લિફ્ટ, રેમ્પ, વિશાળ વેઇટિંગ એરિયા, સુધારેલી ટિકિટ સુવિધા, સ્વચ્છ પરિસર અને અન્ય આધુનિક સુવિધાઓ ઊભી કરવામાં આવી છે. દિવ્યાંગો, વરિષ્ઠ નાગરિકો અને બાળકો સાથે મુસાફરી કરતા પરિવારોને સરળ અને સુવિધાજનક મુસાફરીનો અનુભવ મળી રહે તે માટે ખાસ આયોજન કરવામાં આવ્યું છે.
પ્રતાપનગર રેલવે સ્ટેશનનું સૌથી મોટું મહત્વ એ છે કે હવે તે વિશ્વવિખ્યાત સ્ટેચ્યુ ઑફ યુનિટી જતાં પ્રવાસીઓ માટે એક મહત્વપૂર્ણ પ્રવેશદ્વાર તરીકે વિકસશે. દેશ-વિદેશથી આવતા પ્રવાસીઓને વડોદરા જંક્શન પરની ભીડમાંથી રાહત મળશે અને તેમની મુસાફરી વધુ સરળ બનશે.
રેલવે તંત્રના જણાવ્યા અનુસાર સેટેલાઇટ સ્ટેશન તરીકે પ્રતાપનગરનો વિકાસ થતાં ભવિષ્યમાં અહીંથી વધુ ટ્રેનોનું સંચાલન શક્ય બનશે. પરિણામે વડોદરા જંક્શન પર ટ્રાફિકનું ભારણ ઘટશે અને સમગ્ર રેલવે નેટવર્ક વધુ કાર્યક્ષમ બનશે.
146 વર્ષ જૂના ઐતિહાસિક સ્ટેશનને આધુનિક સુવિધાઓ સાથે નવી ઓળખ આપવાનો આ પ્રયાસ વડોદરા શહેરના વિકાસમાં મહત્વપૂર્ણ સીમાચિહ્ન માનવામાં આવી રહ્યો છે. ઐતિહાસિક વારસો અને આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું સુંદર સંકલન ધરાવતું પ્રતાપનગર રેલવે સ્ટેશન હવે મુસાફરો માટે વધુ આરામદાયક, સુરક્ષિત અને સુવિધાસભર પ્રવાસનો અનુભવ કરાવશે.