વેસુમાં લિફ્ટ ખોટકાતા 5 લોકો ફસાયા...
સુરત શહેરમાં લિફ્ટ ખોટકાવાની ઘટનાઓમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. વેસુ વિસ્તારમાં આવેલી ગેલોપીન કોમ્પ્લેક્સમાં વધુ એક ઘટના સામે આવી છે, જ્યાં લિફ્ટ અચાનક બંધ પડી જતા 7 વર્ષના બાળક સહિત 5 લોકો અંદર ફસાઈ ગયા હતા.સુરતના વેસુ વિસ્તારમાં આવેલી ગેલોપીન કોમ્પ્લેક્સમાં લિફ્ટ ખોટકાવાની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ લિફ્ટ બેઝમેન્ટ વિસ્તારમાં અચાનક બંધ પડી જતા અંદર 7 વર્ષના બાળક સહિત કુલ 5 લોકો ફસાઈ ગયા હતા.ઘટનાની જાણ થતા ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. ફાયર જવાનોએ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી ખાસ મશીનની મદદથી લિફ્ટનો દરવાજો પહોળો કર્યો હતો.રેસ્ક્યુ કામગીરી બાદ અંદર ફસાયેલા તમામ લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. બાળક સહિત તમામ લોકો સુરક્ષિત બહાર આવતા પરિવારજનો અને સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો.સદનસીબે સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજા થઈ નથી. જોકે શહેરમાં વારંવાર બની રહેલી લિફ્ટ ખોટકાવાની ઘટનાઓને લઈને સલામતી વ્યવસ્થા સામે ફરી સવાલો ઊભા થયા છે.