અરવલ્લી ખાતે શ્રી કટલરી કરિયાણા મરચંટ સહકારી મંડળી મોડાસા દ્વારા શહેરમાં નવી ચૂંટાયેલી નગરપાલિકા પ્રમુખ જયશ્રીબેન પટેલ સહિત કાઉન્સિલરોના સન્માન માટે ભવ્ય અભિવાદન સમારોહનું આયોજન મંડળીના સીઈઓ ઇસ્માઇલભાઈ દાદુની અધ્યક્ષતામાં કરવામાં આવ્યું હતું.કટલરી કરિયાણા મંડળીના ચેરમેન પંકજભાઈ બૂટાલાએ સમારોહમાં નવનિયુક્ત પ્રમુખ, ઉપપ્રમુખ તેમજ તમામ કાઉન્સિલરો અને આમંત્રિત મહેમાનોનું ઉષ્માભેર સ્વાગત કર્યું હતું.નગરપાલિકા પ્રમુખ જયશ્રીબેન પટેલ સહિત કાઉન્સિલરોનું શ્રી કટલરી કરિયાણા એસોસિએશનના હોદ્દેદારો, સલાહકાર બોર્ડ, મોડાસા મહાજન મંડળ, અરવલ્લી જિલ્લા ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ, મોડાસા કેળવણી મંડળ, સાર્વજનિક હોસ્પિટલ, લાયન્સ ક્લબ, સોમનાથ મહાદેવ સિનિયર સિટીઝન ગ્રુપ, મેડિકલ એસોસિએશન, મહેસાણા મિત્ર મંડળ સહિત વિવિધ સામાજિક, શૈક્ષણિક અને ધાર્મિક સંસ્થાઓ તેમજ મહિલાઓ દ્વારા ફૂલછડી અને શાલ ઓઢાડીને સન્માનિત કરવામાં આવ્યા હતા.આ અભિવાદન સમારોહમાં વેપારીઓ, સામાજિક અગ્રણીઓ અને શહેરના નાગરિકોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી નવી ટીમને શુભેચ્છાઓ પાઠવી હતી. સાથે જ મોડાસા શહેરના વિવિધ પ્રશ્નોનો ઝડપથી ઉકેલ લાવવામાં આવે, પારદર્શક અને વિકાસલક્ષી વહીવટથી શહેરને નવી ઓળખ મળે તેમજ મોડાસા વિકાસની નવી ઊંચાઈઓ સર કરે તેવી શુભેચ્છાઓ વ્યક્ત કરવામાં આવી હતી.