ઝઘડિયા વન વિભાગની કચેરીમાંથી દીપડો ભાગ્યો, બે મહિલાઓ ઇજાગ્રસ્ત

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં વન વિભાગની કચેરીમાંથી રેસ્ક્યૂ કરાયેલો દીપડો પાંજરામાંથી ભાગી છૂટતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. દીપડો નજીકની રહેણાંક સોસાયટીમાં ઘૂસી જતાં બે શ્રમજીવી મહિલાઓ પર હુમલો કર્યો હતો, જેમાં બંને મહિલાઓ ઇજાગ્રસ્ત થઈ હતી. ઘટના બાદ વન વિભાગે દીપડાને શોધવા માટે સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે.

ઝઘડિયા વન વિભાગ કચેરીમાંથી દીપડો ભાગ્યો, હુમલામાં બે મહિલાઓ ઇજાગ્રસ્ત

ભરૂચના ઝઘડિયામાં રેસ્ક્યૂ કરાયેલ દીપડો પાંજરામાંથી ભાગી ગયો. હુમલામાં બે મહિલાઓ ઇજાગ્રસ્ત થઈ, વન વિભાગે દીપડાને શોધવા સર્ચ ઓપરેશન શરૂ કર્યું. મળતી માહિતી મુજબ, વહેલી સવારે ઉમલ્લા વિસ્તારમાંથી એક દીપડાનું રેસ્ક્યૂ કરીને તેને ઝઘડિયા વન વિભાગની કચેરી ખાતે લાવવામાં આવ્યો હતો. દીપડાને પાંજરામાં રાખવામાં આવ્યો હતો. ત્યારબાદ તે પાંજરામાંથી બહાર નીકળી ગયો હતો. જોકે, દીપડો કેવી રીતે બહાર નીકળ્યો તે અંગે વન વિભાગ તરફથી સત્તાવાર કારણ જાહેર કરવામાં આવ્યું નથી. સ્થાનિકો દ્વારા વન વિભાગની બેદરકારીના આક્ષેપ કરવામાં આવ્યા છે.

પાંજરામાંથી બહાર નીકળ્યા બાદ દીપડો વન વિભાગની કચેરીની બાજુમાં આવેલી રહેણાંક સોસાયટીમાં ઘૂસી ગયો હતો. આ દરમિયાન ત્યાં કામ કરી રહેલી બે શ્રમજીવી મહિલાઓ પર તેણે હુમલો કર્યો હતો. હુમલામાં બંને મહિલાઓને ઇજાઓ પહોંચતાં તેમને તાત્કાલિક સારવાર માટે ઝઘડિયાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.

પ્રાથમિક સારવાર બાદ બંને મહિલાઓને વધુ સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવી હતી. હોસ્પિટલમાં સારવાર પૂર્ણ થયા બાદ બંને મહિલાઓને રજા આપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

ઘટનાની જાણ થતાં વન વિભાગની ટીમો તાત્કાલિક સક્રિય બની હતી. કચેરીની આસપાસના વિસ્તારો, રહેણાંક સોસાયટીઓ તેમજ નજીકના વિસ્તારોમાં દીપડાને શોધવા માટે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. સાથે જ સ્થાનિક લોકોને સાવચેત રહેવા અને દીપડો દેખાય તો તાત્કાલિક વન વિભાગને જાણ કરવાની અપીલ કરવામાં આવી છે.

આ ઘટનાએ વન્યજીવ સંભાળ અને રેસ્ક્યૂ બાદની સુરક્ષા વ્યવસ્થા અંગે અનેક પ્રશ્નો ઊભા કર્યા છે. હાલ સમગ્ર મામલે વન વિભાગ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે અને દીપડાને સુરક્ષિત રીતે પકડવાના પ્રયાસો ચાલુ છે.