આહવામાં બોઇલર મરઘીના પીછડા અને હોટલોના એઠવાડથી...

આહવામાં બોઇલર મરઘીના પીછડા અને હોટલોના કચરાથી ગંદકીનો ઉપદ્રવ, સ્થાનિકોમાં રોષ

ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવાના વિવિધ વિસ્તારોમાં ખુલ્લામાં ફેંકાતા બોઇલર મરઘીના પીછડા અને હોટલોના ખાદ્ય કચરાને કારણે ગંદકી અને દુર્ગંધની ગંભીર સમસ્યા ઉભી થઈ છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ નવાપુર રોડ, સાપુતારા રોડ અને વઘઈ રોડ જેવા મુખ્ય માર્ગો પર કેટલાક લોકો દ્વારા બોઇલર મરઘીના પીછડા તેમજ અન્ય સજીવ કચરો ખુલ્લામાં ફેંકવામાં આવી રહ્યો છે. પરિણામે આસપાસના વિસ્તારમાં અસહ્ય દુર્ગંધ ફેલાઈ રહી છે અને લોકોનું રોજિંદું જીવન પ્રભાવિત થઈ રહ્યું છે.

આ રસ્તાઓ પરથી દરરોજ મોટી સંખ્યામાં વાહનચાલકો, રાહદારીઓ, વિદ્યાર્થીઓ અને સવારે ચાલવા માટે નીકળતા નાગરિકો પસાર થાય છે. ખુલ્લામાં પડેલા કચરાને કારણે દુર્ગંધ એટલી વધી જાય છે કે લોકોને રસ્તા પરથી પસાર થવામાં પણ મુશ્કેલી પડે છે. ખાસ કરીને વરસાદી મોસમમાં આ પ્રકારનો કચરો વધુ ઝડપથી સડી જતાં સ્વચ્છતા અને આરોગ્ય બંને માટે જોખમ ઊભું થાય છે.

સ્થાનિક નાગરિકોનું કહેવું છે કે ખુલ્લામાં ફેંકાતા મરઘીના પીછડા અને હોટલોના ખાદ્ય કચરાથી માખીઓ, મચ્છરો અને રખડતા પ્રાણીઓનું પ્રમાણ પણ વધી રહ્યું છે. જેના કારણે ચેપજન્ય રોગો ફેલાવાનો ભય વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. જાહેર સ્થળોએ આ પ્રકારની ગંદકી શહેરની સ્વચ્છતા અને પર્યાવરણ માટે પણ ગંભીર ચિંતાનો વિષય બની છે.

સ્થાનિકોએ સંબંધિત તંત્રને રજૂઆત કરીને સ્થળનું તાત્કાલિક નિરીક્ષણ કરવા, સમગ્ર વિસ્તારમાં સફાઈ હાથ ધરવા તેમજ જવાબદાર લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે. સાથે જ ભવિષ્યમાં આવી ઘટના ફરી ન બને તે માટે નિયમિત દેખરેખ, કચરાના વૈજ્ઞાનિક નિકાલની વ્યવસ્થા અને નિયમોના કડક અમલની પણ માંગ કરવામાં આવી છે.

નાગરિકોનું માનવું છે કે આહવા જેવા મહત્વના જિલ્લા મથકે સ્વચ્છતા જાળવવી તંત્રની પ્રાથમિક જવાબદારી છે. જો સમયસર યોગ્ય પગલાં લેવામાં આવશે તો ગંદકી અને દુર્ગંધની સમસ્યાનો કાયમી ઉકેલ આવી શકે છે અને લોકો સ્વચ્છ તેમજ આરોગ્યપ્રદ વાતાવરણમાં જીવન જીવી શકશે. હવે સૌની નજર સંબંધિત તંત્રની કાર્યવાહી પર છે કે આ ગંભીર મુદ્દે કેટલા ઝડપથી અસરકારક પગલાં લેવામાં આવે છે.