અમદાવાદમાં નકલી પ્લાઝમા રેકેટનો પર્દાફાશ, 1700થી વધુ યુનિટ વેચ્યા...

અમદાવાદ જિલ્લાના ચાંગોદર વિસ્તારમાં ચાલતી એક લેબોરેટરીમાં નકલી પ્લાઝમા તૈયાર કરીને વેચવાના મોટા રેકેટનો પર્દાફાશ થયો છે. તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ બ્લડમાંથી અસલી પ્લાઝમા કાઢી તેની જગ્યાએ સ્લાઈન વોટર ઉમેરી ભેળસેળવાળું પ્લાઝમા અડધા ભાવે વેચતા હતા. પોલીસે અત્યાર સુધીમાં આ કેસમાં અનેક આરોપીઓની ધરપકડ કરી છે અને તપાસનો વ્યાપ હવે ગુજરાત, મહારાષ્ટ્ર ઉપરાંત બેંગલોર સુધી પહોંચ્યો છે.

અમદાવાદના ચાંગોદરમાં નકલી પ્લાઝમા રેકેટનો પર્દાફાશ, 1700થી વધુ યુનિટ વેચ્યાનો ખુલાસો

અમદાવાદ ગ્રામ્ય પોલીસે થોડા સમય અગાઉ આ રેકેટનો ભંડાફોડ કરીને અમદાવાદની લેબના માલિક, ડ્રાઇવર અને મહારાષ્ટ્રના એક લેબ સંચાલકની ધરપકડ કરી હતી. ત્યારબાદની તપાસમાં મહારાષ્ટ્રમાં લેબ ચલાવતા વધુ ત્રણ આરોપીઓ અને એક અન્ય ડ્રાઇવરની પણ ધરપકડ કરવામાં આવી છે. પોલીસ તપાસમાં ખુલ્યું છે કે આરોપીઓનું નેટવર્ક માત્ર ગુજરાત અને મહારાષ્ટ્ર પૂરતું મર્યાદિત નહોતું, પરંતુ બેંગલોર સુધી ફેલાયેલું હતું.

તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે આરોપીઓએ અત્યાર સુધીમાં 1700થી વધુ ભેળસેળવાળા પ્લાઝમા યુનિટ વેચ્યા હતા. આ પ્લાઝમા પ્રતિ યુનિટ અંદાજે ₹5,000ના ભાવે વેચવામાં આવતું હતું. પોલીસના જણાવ્યા મુજબ ચાંગોદરની લેબમાંથી કબજે કરાયેલા 1140 પ્લાઝમા યુનિટની તપાસમાં તમામ ભેળસેળવાળા હોવાનું સામે આવ્યું છે.

તપાસમાં વધુ ખુલાસો થયો છે કે નકલી પ્લાઝમા મહારાષ્ટ્રના વાશિમ જિલ્લામાં આવેલી લેબમાં મોકલવામાં આવતું હતું. ત્યારબાદ ત્યાંથી બેંગલોરની બ્લડ બેન્ક અને ફાર્મા કંપનીઓ સુધી પણ પહોંચાડવામાં આવ્યું હોવાનું આરોપીઓએ કબૂલ્યું છે. આ સમગ્ર સાંકળને ધ્યાનમાં રાખીને બેંગલોરમાં પણ તપાસ શરૂ કરવામાં આવી છે.

પ્રાથમિક તપાસ મુજબ આ ભેળસેળવાળું પ્લાઝમા કોઈ દર્દીને ચઢાવવામાં આવ્યું હોવાની માહિતી હજુ સુધી સામે આવી નથી. જોકે, નિષ્ણાતોના જણાવ્યા મુજબ આવા પ્લાઝમાનો ઉપયોગ દર્દીઓ માટે ગંભીર અને જીવલેણ સાબિત થઈ શકે છે. તેથી પોલીસ હવે એ દિશામાં પણ તપાસ કરી રહી છે કે આ નકલી પ્લાઝમાના કારણે કોઈ દર્દીને નુકસાન કે જાનહાનિ થઈ છે કે નહીં.

આ સમગ્ર કૌભાંડે આરોગ્ય વ્યવસ્થા સામે ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે. પોલીસ દ્વારા રેકેટ સાથે સંકળાયેલા અન્ય લોકોની શોધખોળ અને પુરાવાઓ એકત્ર કરવાની કાર્યવાહી ચાલુ છે.